કિસાન નેતા અને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ Raju Kapardaએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કુદરત કોપાયમાન છે અને ખેડૂતોનો પાક મોટાભાગે નિષ્ફળ ગયો છે. જુલાઈ મહિનામાં દરિયા પટ્ટાના વિસ્તારોમાં ખેડૂતોએ પાક નુકસાન ભોગવ્યું. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એટલો વરસાદ પડ્યો કે સરકારે હકીકતમાં આ વિસ્તારને લીલો દુષ્કાળ તરીકે જાહેર કરવાની જરૂર હતી, પરંતુ સરકારે આવી કોઈ જાહેરાત કરી નહીં. અત્યાર સુધી સરકાર દ્વારા માત્ર સહાયની અને સર્વેની ફક્ત વાતો થઈ રહી છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે ખેડૂતોને નુકસાન થયું છે તે ખેડૂતોને આજ દિન સુધી સહાય ચૂકવવામાં આવી નથી.

નિયમ પ્રમાણે 140%થી વધુ વરસાદ પડે તો લીલો દુષ્કાળ જાહેર કરવો પડે. સૌરાષ્ટ્રના તમામ તાલુકામાં 140%થી વધુ વરસાદ પડ્યો છે, તેમ છતાં પણ સરકારે આ વિસ્તારને લીલો દુષ્કાળ તરીકે જાહેર કર્યો નથી. ખેડૂતોની ખરીફ સીઝન સદંતર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે, તો સરકારે આવા તમામ ખેડૂતોની પાક ધિરાણ લોન સરકારે માફ કરવી જોઈએ. જો આગામી દિવસોમાં સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો ખેડૂતો સંગઠિત થઈને સરકાર સામે મોરચો માંડશે. ખેડૂત ખૂબ જ નુકસાનમાં છે અને દિવસેને દિવસે ખેડૂતોનું દેવું વધી રહ્યું છે માટે હવે ખેડૂતોથી આવો માર સહન થશે નહીં. જો સરકાર ખેડૂતોની માંગો માનશે અને ખેડૂતોને સહાય ચૂકવશે તો ઠીક છે નહિતર ખેડૂતો સરકાર વિરુદ્ધ એકઠા થશે અને મોટો મોરચો માંડશે.