BRICS Summit 2024 : રશિયાના કાઝાન એક્સ્પો સેન્ટર ખાતે BRICS સમિટનું પૂર્ણ સત્ર શરૂ થયું છે. PM નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે કાઝાન એક્સ્પો સેન્ટર પહોંચ્યા છે.
રશિયાના કઝાન શહેરમાં BRICS સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાઝાન એક્સ્પો સેન્ટર ખાતે BRICS સમિટનું પૂર્ણ સત્ર શરૂ થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્રની શરૂઆતમાં નેતાઓને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે 30 થી વધુ દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જૂથ કાર્યક્ષમતા જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેઠકમાં તેના વિસ્તરણ અંગે ચર્ચા કરશે.
પીએમ મોદી કઝાન એક્સ્પો સેન્ટર પહોંચ્યા
BRICS કોન્ફરન્સની સાથે સાથે PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક ક્યારે થશે તેના પર પણ સમગ્ર વિશ્વની નજર છે. PM મોદી BRICS સમિટ માટે કઝાન એક્સ્પો સેન્ટર પહોંચ્યા છે.
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી
PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે કઝાનમાં BRICS સમિટ પહેલા મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ એકબીજાને ઉમળકાભેર મળ્યા હતા. પીએમ મોદીએ પુતિન સાથે હાથ મિલાવ્યા અને પછી તેમને ગળે લગાવ્યા. આ પછી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત થઈ. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો.