જામનગર શહેરના સરૂ સેકશન વિસ્તારમાં કલેકટર કચેરી સામે આવેલ એસબીઆઈ બેંકના ATM મશીનના ડિસ્પેન્સર મશીન સાથે છેડછાડ કરી ચાર શખ્સોએ રૂા. ૨૨,૫૦૦ ની રોકડ સેરવી લીધા હોવાનો બનાવ પોલીસે ચોપડે નોંધાયો છે. આ અંગે બેંકના મેનેજર હિતેષ નવલભાઈ રાયચુરાએ સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
છ ખાતેદારોને ATMમાંથી પૈસા નીકળ્યા નહીં, CCTV ચકાસતા ચીટર ગેંગે રૂપિયા ખંખેરી લીધાનું ખૂલતાં શોધખોળ
જે મુજબ ગત તા. ૧૪.૧૦ ના રોજ બેંકના ખાતેદાર હરદાસ દેવાયતભાઈ આંબલિયા, રફીક રાઠોડ, બંદરી ફિરોજ, સચીન સોનારે, મિલન ગોંડલિયા અને રામજીભાઈ સોલંકીએ બેંકમાં ફરિયાદ કરેલ કે અમોએ શરૂ સેકશન વિસ્તારમાં આવેલ ATMમાં પૈસા ઉપાડવા ગયા હતાં. એટીએમમાંથી પૈસા નિકળેલ નથી, પરંતુ અમારા ખાતામાંથી રકમ ઉધાર થયેલ. જેથી બેંક મેનેજર હિતેષભાઈએ એટીએમમાં જઈ ચકાસણી કરતાં કોઈ રકમ એટીએમમમાં વધારે ન મળતાં તેમના દ્વારા એટીએમ મશીનમાં લાગેલ સીસીટીવી કેમરાના ફુટેજની ચકાસણી કરતાં ચાર શખ્સો ડીસ્પેન્સર મશીનમાં છેડછાડ કરી | રૂપિયા ઉપાડી લીધા હોવાનું જણાઈ આવતાં હિતેષભાઈએ સીટી બી. ડીવીજન પોલીસ મથકમાં ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફુજેટના આધારે અજાણ્યા શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે