વડોદરા વાપીના એક જવેલર્સને નકલી PSIની ઓળખ આપી પૈસા પડાવનાર વડોદરાના નકલી પીએસઆઈને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો હતો.
ચોરીના દાગીના ખરીદ્યા છે તેમ કહી પત્નીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં
આ અંગેની વિગત એવી છે કે વલસાડ જિલ્લાના વાપી ખાતે જવેલર્સની શોપ ધરાવતા એક વેપારીને તા.૧૫ ઓક્ટોબરના રોજ મોબાઈલથી ફોન કરી એક શખ્સે જણાવેલ કે હું PSI અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલું છું, અમે એક સ્ત્રી પકડી છે જે નાની મોટી ચોરી કરે છે, તેને તમારી દુકાને સાડા પાંચ ગ્રામની સોનાની ચેન રૂા. ૨૯૫૦૦માં તમને વેચી છે તેવી કબૂલાત કરી છે, જો તમે આ રકમ આપી દો તો હું કેસ ક્લોઝ કરી દઈશ તમે રૂપિયા નહી આપો તો દુકાન પર ટીમ મોકલું છું તેમ કહ્યું હતું.
આ વાત સાંભળીને વેપારી ગભરાઈ ગયો હતો અને ફોન કરનારે આપેલા નંબર પર ગુગલ પેથી રકમ ટ્રાન્સફર કરી હતી. જો કે બાદમાં ખબર પડી હતી કે તે નકલી PSI છે જેથી તેણે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મોબાઇલ નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે મકરપુરા એસ.ટી. ડેપો પાસેથી અભિષેક કાંતિલાલ પટેલ (રહે.શ્રીકુંજ રેસિડેન્સી, આલમગીર, મૂળ જસાપર, તા.કાલાવાડ, જિલ્લો જામનગર)ને ઝડપી પાડયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે પોતે જ નકલી પીએસઆઈ બનીને ફોન કર્યો હતો અને પૈસા મારી પત્નીના એકાઉન્ટમાં જમા કરાવેલા હતાં.