Gujaratના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારની એક ફેક્ટરીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે અહીંથી પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન (MD) અને 427 કિલો અન્ય શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત કર્યા છે. આ કેસમાં એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં સ્થિત ‘આવસર એન્ટરપ્રાઇઝ’માંથી જપ્ત કરાયેલ શંકાસ્પદ ડ્રગ્સ પુષ્ટિ માટે FSLમાં મોકલવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, જિલ્લાની એસઓજી અને સુરત પોલીસની ટીમે રવિવારે રાત્રે કરેલા સંયુક્ત દરોડામાં ફેક્ટરીમાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
અગાઉ 13 ઓક્ટોબરે ગુજરાત અને દિલ્હી પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડની ફેક્ટરીમાંથી રૂ. 5,000 કરોડની કિંમતનો 500 કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યો હતો અને હવે તેના એક સપ્તાહ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આના થોડા અઠવાડિયા પહેલા, દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં એક વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા.
10 ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાં આવેલી એક દુકાનમાંથી 208 કિલો કોકેઈન મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રતિબંધિત દવા ‘ફાર્મા સોલ્યુશન સર્વિસીસ’ નામની કંપનીની છે અને તે ગુજરાતના અંકલેશ્વર સ્થિત અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવી હતી.