Jamnagarમાં સાત રસ્તા સર્કલ પાસે ખાનગી બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બસ ચાલક અને બાઇક સવાર બે યુવાનો વચ્ચે બોલાચાલી થયા પછી બસ ચાલક સહિત ત્રણ શખ્સોએ બંને યુવાનો પર હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

બાઈક પર જતાં બન્ને યુવાનોએ ખાનગી બસને ઓવરટેક કરવા માટે હોર્ન વગાડતા બોલાચાલી બાદ માથાકૂટ

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે Jamnagar નજીકથી ઢીંચડામાં રહેતો નીતિન કેશાભાઈ કોડીયાતર નામનો વિદ્યાર્થી યુવાન પોતાના બાઈકમાં પોતાના મિત્ર મયુરભાઈને બેસાડીને સાત રસ્તા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન એક લક્ઝરી બસ નીકળતાં તેને ઓવરટેક કરવો હોવાથી હોર્ન વગાડવાના મામલે બસ ચાલક અને બાઈક ચાલક વચ્ચે તકરાર થઈ હતી.

ત્યારબાદ જી.જે. ૧૦ ટી.વાય. ૦૭૭૫ નંબરની બસનો ચાલક અને તેના બે સાગરીતોએ બાઈક ચાલક નીતિન અને તેના મિત્ર મયુર ને રોકીને હાથમાં પહેરેલા કડા અને લોખંડના પાઈપ વડે હુમલો કરી નાક અને કાનમાં ઈજા પહોંચાડી હતી. તેથી ઈજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પોલીસે લક્ઝરી બસના ચાલક સહિત ત્રણ સામે ગુનો નોધ્યો છે.