Gujarat નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની કડક સૂચના અન્વયે રાજ્યમાં ગેરકાયદેસર–બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને આયુર્વેદિક દવામાં એલોપેથીક દવાની ભેળસેળ કરી ઉત્પાદન અને વેચાણ કરતાં નવસારીના કાંગવાઈ ગામે રહેતા ઇમરાન સુલેમાન મોલધારીયા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પાસેથી આશરે રૂ. ૯૦ હજારનો એલોપેથીક દવાઓ તથા આયુર્વેદિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ડાયાબિટીસને લગતી આયુર્વેદિક દવાઓમાં એલોપેથીક દવા હોવાની શંકાને ધ્યાને રાખી આયુર્વેદિક દવાના ચકાસણી અર્થે અલગ અલગ કુલ ૧૦ દવાઓના નમુનાઓ લઈ પૃથક્કરણ કરવા માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
આ અંગે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇંગ સ્કોડના વડા શ્રી એ.એ.રાદડિયા અને તેમની ટીમ, વડી કચેરીના અધિકારીશ્રી તથા નવસારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશ્નર શ્રી જે.પી.પટેલ અને અન્ય અધિકારીશ્રીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર રીતે દવાનું ઉત્પાદન તેમજ વેચાણમાં સંડોવાયેલા વ્યક્તિ વિરુદ્ધ દવાના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કડક કાયદેસરની કાનુની કાર્યવાહી કરવામાં આવશે.