મહાત્મા ગાંધીની જગ્યાએ બોલિવૂડ એક્ટર Anupam kherનો ફોટો ધરાવતો ધરાવતા નકલી નોટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. ઠગ પર બુલિયન વેપારીને નકલી નોટો આપીને આશરે રૂ. 1.5 કરોડનું સોનું ખરીદવાનો આરોપ છે. પોલીસે બુધવારે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓ પાસેથી 1.37 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું છે.
પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દીપક રાજપૂત (32) અને તેના સાગરિતો નરેન્દ્ર જાદવ (36) અને કલ્પેશ મહેતા (45) તરીકે થઈ છે, જેઓ તમામ અમદાવાદ શહેરના રહેવાસી છે. આ મહિનાની શરૂઆતમાં બુલિયન વેપારી મેહુલ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 24 સપ્ટેમ્બરે 2.1 કિલો સોનાના બદલામાં 500 રૂપિયાની નકલી નોટોના 26 બંડલ આપીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
આરોપીએ સોનું ખરીદવા માટે ઠક્કરનો સંપર્ક કર્યો હતો અને તેની કિંમત રૂ. 1.60 કરોડ નક્કી કરી હતી, જે તેની સીજી રોડ પરની આંગડિયા ઓફિસમાં રોકડમાં ચૂકવવાની હતી. ઠક્કરના કર્મચારીઓ 24 સપ્ટેમ્બરના રોજ ઓફિસ પહોંચ્યા, જ્યાં ત્રણ લોકો પહેલાથી જ રોકડ ગણતરી મશીન સાથે હાજર હતા. તેમાંથી બેએ સોનું ભેગું કર્યું અને રૂ. 500ની નોટોના બંડલ આપ્યા. આ પછી તેઓ બાજુની ઓફિસમાંથી બાકીના રૂ. 30 લાખ લાવવાના બહાને સોનું લઈને ચાલ્યા ગયા હતા.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ગુજરાતમાં એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ભારતીય ચલણમાં મહાત્મા ગાંધીની જગ્યાએ બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરનો ફોટો હતો. એક બુલિયન વેપારીએ આરોપ લગાવ્યો હતો કે તેની સાથે રૂ. 1.5 કરોડના સોનાની છેતરપિંડી કરવામાં આવી છે. હવે આ કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.