Gujarat News: સુરેન્દ્રનગરમાં પંડીત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે લાખો-કરોડોના ઈ લોકાર્પણ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના કાને વાત પહોંચાડવા માટે (AAP)આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અમૃતભાઈ મકવાણાએ ચાલુ પ્રવચને પાણી-રોડ રસ્તા અને સફાઈ અંગે રજૂઆત કરી તો પોલીસ દ્વારા અમૃતભાઈ મકવાણાને તાનાશાહી ઢબે ડીટેન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમૃતભાઈ મકવાણાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ઇ-લોકાર્પણનો કાર્યક્રમ હતો. તેમાં મેં આજે રજૂઆત કરી કે સંત સવાઈનાથ ટાઉનશીપ અને ઠાકર નગરમાં આજની તારીખમાં પણ એક ટીપું પાણી પહોંચી રહ્યું નથી. બીજી બાજુ અહીંયા લાખો અને કરોડો રૂપિયાના ઇ-લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે તેમને વાસ્તવિકતા બતાવવા માટે હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો અને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાને વિનંતી સાથે કહ્યું કે મારી વાતને બે મિનિટ માટે સાંભળવામાં આવે. પરંતુ મારી વાતને સાંભળવામાં આવી નહીં. આ મુદ્દે અગાઉ આવેદનપત્રો આપ્યા અને કેટલીય વખત રજૂઆતો કરી, ઉપવાસ કર્યા પરંતુ આ જિલ્લાનું વહીવટી તંત્ર અને ધારાસભ્ય અને નગરપાલિકાના કોઈ પણ મારા પ્રશ્નોને સાંભળતું નથી.
આજના કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે, આંગણવાડી બહેનોને બોલાવવામાં આવી છે, આરોગ્યના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે, માધ્યમિક શાળાના શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા છે પરંતુ આ કાર્યક્રમમાં કોઈ સામાન્ય પબ્લિક હાજર નથી. આ લોકો અધિકારીઓની હાજરીમાં લાખો અને કરોડોના તાઈફાઓ કરે છે પરંતુ આ બધા ખર્ચાઓ બંધ કરીને ગરીબ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે અને તે વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવામાં આવે તેની રજૂઆત કરવા માટે હું આજે આવ્યો હતો. આજે આ લોકોએ મને ઢસડીને બહાર કાઢ્યો કારણ કે આ લોકોને એ પસંદ નથી કે કોઈ વ્યક્તિ જનતાના મુદ્દે રજૂઆત કરે, આ લોકોને ફક્ત ખોટા તાયફાઓમાં વ્યસ્ત રહેવું પસંદ છે. પરંતુ કોઈ માણસ વાસ્તવિકતા રજૂ કરે તો તેમાં આ લોકોને જરા પણ રસ નથી.