Flood in Sri Lanka : શ્રીલંકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શ્રીલંકામાં ભારે વરસાદ અને પૂરના કારણે એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે રાજધાની કોલંબો અને ઉપનગરીય વિસ્તારોમાં સોમવારે શાળાઓને બંધ જાહેર કરવામાં આવી હતી. શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અનુસાર, સપ્તાહના અંતે ભારે વરસાદે દેશના ઘણા ભાગોમાં વિનાશ વેર્યો છે. ઘરો, ખેતરો, રસ્તાઓ બધે પાણી જ પાણી દેખાય છે. પૂરમાં ત્રણ લોકો ડૂબી ગયા છે, જ્યારે લગભગ 1 લાખ 34 હજાર લોકો તેનાથી પ્રભાવિત થયા છે.

સેના તૈનાત

શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે જણાવ્યું હતું કે વરસાદ અને પૂરના કારણે 240 ઘરોને નુકસાન થયું છે. લગભગ સાત હજાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ સાવચેતીના પગલારૂપે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પીડિતોને બચાવવા અને ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ આપવા માટે નેવી સહિત આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ઘરો અને દુકાનોની છત સુધી પાણી પહોંચી ગયું હતું

સ્થાનિક ટેલિવિઝન ચેનલોએ કોલંબોના ઉપનગરીય વિસ્તારોમાં પૂરને દર્શાવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોની છત સુધી પાણી પહોંચી ગયા હતા. મે મહિનાથી ચોમાસાના વરસાદને કારણે શ્રીલંકામાં સ્થિતિ ખરાબ છે. જૂન મહિનામાં પૂર અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયા હતા.

આવું દ્રશ્ય 2021માં પણ જોવા મળ્યું હતું

આ પહેલીવાર નથી જ્યારે શ્રીલંકામાં ભીષણ પૂર જોવા મળ્યું હોય. અગાઉ વર્ષ 2021માં પણ ભારે વરસાદને કારણે અહીં આવી જ મુશ્કેલી સર્જાઈ હતી. ત્યારે અનેક લોકોના ઘર પૂરની ઝપેટમાં આવી ગયા હતા. પાંચ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. તે સમયે પણ પૂરના કારણે ઘણી તબાહી થઈ હતી.