Gujarat News: વડોદરામાં આમ આદમી પાર્ટીના Gujarat પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં મોટી સંખ્યામાં વડોદરાના સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીના સભ્ય બન્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે વડોદરામાં આમ આદમી પાર્ટીના અભિયાને વેગ પકડ્યો છે. વડોદરામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા છે. મુકેશભાઈ અગ્રવાલ અને ખાનભાઈની ટીમ સાથે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટી એકમાત્ર પાર્ટી છે જે સારા શિક્ષણની વાત કરે છે, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરે છે, સારી આરોગ્ય વ્યવસ્થાની વાત કરે છે, ખેડૂતોને પૂરતા ભાવ આપવાની વાત કરે છે, મજૂરોને પૂરતું વેતન આપવાની વાત કરે છે અને આમ લોકોની વાત કરે છે. ગુજરાતના તમામ સામાન્ય લોકોને હું કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી તમારા માટે આવી છે. ભાજપ ઉદ્યોગપતિઓની પાર્ટી છે માટે જો ભાજપને મત આપશો તો અદાણીનું ભલું થશે અને ભાજપને મત આપશો તો અમિત શાહનો દીકરો મોટો બનશે. કારણ કે તમે જોયું હશે કે અમિત શાહે પોતાના દીકરાને બીસીસીઆઈમાં સેક્રેટરી બનાવ્યો અને ત્યારબાદ આઈસીસીમાં પણ ચેરમેનનું પદ અપાવ્યું. પરંતુ જો તમે શ્રમિક છો, ખેડૂત છો કે મધ્યમ વર્ગના છો તો તમારી પાર્ટી આમ આદમી પાર્ટી છે. માટે હું વધુમાં વધુ લોકોને વિનંતી કરીશ કે આમ આદમી પાર્ટીમાં જોડાઓ.

આમ આદમી પાર્ટીએ ગુજરાત અને પંજાબમાં ખૂબ જ કામો કર્યા છે. હાલ કોન બનેગા કરોડપતિ શોમાં એક પંજાબના બહેન 25 લાખ જીત્યા, તેઓ પંજાબના મહોલ્લા ક્લિનિકમાં કામ કરે છે. દિલ્હી અને પંજાબના દરેક મોહલ્લે મહોલ્લે મોહલ્લા ક્લિનિક બનાવ્યા છે અને તેમાં દરેક દવાઓ ટેસ્ટ મફત હોય છે. તો જો લોકોને સારામાં સારી સારવાર અને મફતમાં દવા અને સારી અને મફત સ્વાસ્થ્ય વ્યવસ્થા જોઈતી હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઓ. જો 2022માં અમારી સરકાર બની હોત તો અમે નક્કી કર્યું હતું કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ડીપીએસને પણ ટક્કર મારે એવી સારી સરકારી શાળાઓ બનાવી હોત. પરંતુ આજે લોકો પોતાના બાળકોને પચાસ હજારથી એક લાખ રૂપિયા ભરીને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા માટે મજબૂર બન્યા છે. હાલ વડોદરામાં આ કાર્યક્રમ બાદ લુણાવાડામાં પણ એક વધુ સદસ્યતા અભિયાન છે. મિશન વિસ્તાર અંતર્ગત 2026 સુધી આ કાર્યક્રમ ચાલતો રહેશે. અમારો ટાર્ગેટ છે કે 60 લાખ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. અને આ તમામ 60 લાખ લોકો પોતાના પરિવાર સાથે 2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સૈનિકો બનીને ઊભા રહેશે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ ગઢવીએ મહિલા સુરક્ષા મુદ્દે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ સરકાર ફાંકા ફોજદારી કરનારી સરકાર છે, જ્યારે ભાજપના નેતાઓ નિવેદન કરે કે મહિલાઓ સુરક્ષિત છે, ત્યારે મહિલાઓએ ચેતી જવું જોઈએ. કારણકે ગમે ત્યારે તમારી સાથે કોઈ પણ ઘટના ઘટી શકે છે. ગૃહમંત્રીએ પણ અનેકવાર ફાંકા ફોજદારી કરી અને આજે આપણે જોયું છે કે કેટલીય બહેનો સાથે બળાત્કારની ઘટનાઓ ઘટી અને હત્યા પણ કરવામાં આવી. વડોદરામાં, સુરતમાં અને આણંદમાં દીકરીઓ સાથે ગેંગરેપની ઘટનાઓ ઘટી હતી. સુરેન્દ્રનગરમાં અને દાહોદમાં બાળકીની હત્યા થઈ. કચ્છ, મોડાસા, મહેસાણા જેવી તમામ જગ્યાએ બળાત્કાર અને સામૂહિક બળાત્કારની ઘટનાઓ ઘટતી રહી છે. આ પરિસ્થિતિ જોઈને અમને ખૂબ જ પીડા થાય છે માટે અમારી દરેક બહેનોને વિનંતી છે કે જ્યારે તમે ઘરથી બહાર નીકળો ત્યારે તમારે સ્વ સુરક્ષા સાથે બહાર નીકળો અને ભાજપના નેતાઓ પર વિશ્વાસ ના કરતા.

મેં આજે એક વીડિયો જોયો તેમાં ભાજપવાળા બળાત્કારીઓનો સન્માન કરતા હોય છે. આ કેટલી દુઃખદ બાબત કહેવાય. સરકાર બયાનબાજી કરે છે પરંતુ બયાનબાજી કરવામાં અને કામ કરવામાં ફરક હોય છે. રોજ ગુજરાતમાં છ બળાત્કાર થાય છે અને ગૃહમંત્રી જલેબીના તાઈફાઓ કરે છે, તેમને શરમ આવવી જોઈએ. જ્યારે ભાજપના બળાત્કારીઓના સન્માન થાય છે ત્યારે ગૃહમંત્રી ક્યાં હોય છે? ભાજપ સાથે સંકળાયેલા 149 બળાત્કારીઓ છેલ્લા ત્રણ વર્ષમાં ફરાર થયા છે, તેનું હું લિસ્ટ ભાજપના ગૃહમંત્રીને આપી શકું છું. ગૃહમંત્રીને માત્ર ને માત્ર વાતો કરવા સિવાય કંઈ આવડતું નથી. આપણી કમનસીબી છે કે મૌની બાબા બનેલા મુખ્યમંત્રી અને ફાંકા ફોજદારી કરનારા ગૃહમંત્રી ગુજરાતને મળ્યા છે.