Gujarat News: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની બે દિવસ પહેલાની ઘટનામાં મહિલા પર દિપડાએ હુમલો કરતા, દવાખાને ખસેડ્યા હતા ત્યારે મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને આગેવાનોને થતા તેઓએ દવાખાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. કોઇપણ વન્ય પ્રાણીનાં હુમલાથી મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમ ક્રિયા સુધી ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહેવું પડતું હોય છે, જ્યારે આ ઘટનામાં ફોરેસ્ટ વિભાગના કોઈ અધિકારી હાજર ન હતા અને મૃતદેહને ટ્રેક્ટરની ટ્રોલીમાં લઇ જવું પડ્યું હતું. મૃતકની અંતિમવિધિ સુધી એનું સન્માન જળવાઈ તેની જવાબદારી ફોરેસ્ટ વિભાગની હોય છે, જેને કારણે શબવાહિનીની માંગણી કરી.(રજૂઆત માત્ર શબવાહિનીની અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા તેની હતી
જેથી આજરોજ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ મૃતક પરિવારજનોની અલવા ગામે મુલાકાત લીધી, મૃતક સુમિત્રા બેનનાના પુત્ર કલ્પેશભાઈ અને તેમના પતિ અરવિંદભાઈ તડવીએ ધારાસભ્ય ચૈતર વસાવા અને સમાજના આગેવાનોને રજૂઆત કરી કે “તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નિરંજન વસાવા, અર્જુનભાઈ, ગીરીરાજસિંહ તથા અન્ય આગેવાનો પર ગુનો નોંધવામાં આવેલ છે તે બાબતની અમને જાણ નથી અને અમને ફરિયાદી બનાવવામાં આવેલ છે. અમારો એવો કોઈ ઈરાદો ન હતો તેમ છતા અમારા નામની ફરિયાદ નોંધવામાં આવી છે ”
જે બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા અને આગેવાનો, મૃતકના પરિવારજનો તિલકવાડા પોલીસ સ્ટેશને પહોચ્યા અને ખોટી ફરિયાદ કરી છે તે બાબતે રજૂઆત કરવામાં આવી. પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ પાછી લેવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી અને સાથે સાથે જેણે પણ ખોટી ફરિયાદ કરી છે તેના વિરુદ્ધ કડક પગલાં લેવા માટે પણ વાત કરી હતી.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, વાઈલ્ડ લાઈફ એકટમાં શિડયુલ-૧માં આવતા વન્ય પ્રાણીઓને જ્યારે કોઈ વ્યક્તિ હાની પહોંચાડે છે ત્યારે સાત વર્ષ ની સખત કેદ અને ૧૦,૦૦૦ (દસ હજાર રૂપિયા) દંડની જોગવાઈ છે. જ્યારે વન્ય પ્રાણીના હુમલાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સરકાર તરફ થી પરિવારજનોને ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ રૂપિયા)ની સહાય આપવામાં આવે છે. અને ઈજા પામનારને ૩૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે, આટલી નાની રકમ માન્ય નથી પરિવારજનોને સરકાર વધુ સહાય ચુકવે એવી અમારી માંગણી છે.