narendra Modi: ગુજરાતમાં અંબાજીથી માંડીને ઉમરગામ સુધીના 14 આદિજાતિ જીલ્લાઓમાં અંદાજે 89 લાખથી વધુ આદિજાતિ બાંધવો વસે છે. આ તમામ આદિજાતિ લોકો સુખી, સ્વસ્થ અને આર્થિક રીતે સદ્ધર બને તેવું સ્વપ્ન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સેવ્યું હતું. 7 ઓક્ટોબર, 2001ના રોજ જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે જ તેમણે આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ કર્યો હતો. તેમના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યના સર્વસમાવેશક વિકાસ અને અસરકારક અમલીકરણ તરફની પોતાની નીતિઓ દ્વારા આદિજાતિના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આદિવાસી સમુદાય અને મુખ્ય પ્રવાહના સમુદાય વચ્ચેના અંતરને દૂર કરવા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના આદિવાસી સમુદાયોના વિકાસ માટે મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ ઘટનાને આજે 23 વર્ષ પૂર્ણ થયા છે, જેના સન્માનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2024 સુધી ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી કરી રહી છે. આ 23 વર્ષોમાં ગુજરાતના આદિવાસી સમુદાયના સંકલિત સામાજિક-આર્થિક વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનું યોગદાન વનબંધુ કલ્યાણ યોજનાએ આપ્યું છે, જે શ્રી નરેન્દ્ર મોદીનું વિચારબીજ હતું. આદિવાસી સમુદાયોના સંકલિત, સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા રાજ્ય સરકારે આજીવિકા, શિક્ષણ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, સિંચાઈ અને મૂળભૂત સુવિધાઓની પહોંચ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજના-1 હેઠળ નીચેના 10 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું:
1. ગુણાત્મક અને ટકાઉ રોજગાર
2. ગુણવત્તાયુક્ત શિક્ષણ
3. આર્થિક વિકાસ
4. આરોગ્ય
5. આવાસ
6. સલામત પીવાનું પાણી
7. સિંચાઈ
8. યુનિવર્સલ ઇલેક્ટ્રિફિકેશન
9. ઓલ વેધર રોડ કનેક્ટિવિટી
10. શહેરી વિકાસ
વનબંધુ કલ્યાણ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સરકારે રાજ્યના બજેટનો નોંધપાત્ર હિસ્સો ફાળવ્યો છે. 2007-08 થી 2020-21 એટલે કે વનબંધુ કલ્યાણ યોજના-1 દરમિયાન, ગુજરાતના આદિવાસી સમુદાય અને આદિવાસી વિસ્તારોની આજીવિકા, આર્થિક સ્થિતિ, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ, આરોગ્ય અને એકંદર સુખાકારી માટે ₹1.02 લાખ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ હાથ ધરવામાં આવેલી વ્યાપક વિકાસલક્ષી પ્રવૃત્તિઓએ ગુજરાતની આદિજાતિ વસ્તીની સામાજિક-આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, અને આ મોડેલને રાષ્ટ્રીય માન્યતા પણ પ્રાપ્ત થઈ છે.
વનબંધુ કલ્યાણ યોજના-1 હેઠળની મહત્વની સિદ્ધિઓ
• આદિવાસી વિસ્તારોમાં 8035 પ્રાથમિક શાળાઓ, 1064 માધ્યમિક શાળાઓ, 509 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ (GLRS), 75 આદર્શ નિવાસી શાળાઓ (ANS), 661 આશ્રમશાળાઓ, 71 કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો, 12 મોડલ શાળાઓ, 11 સાયન્સ કોલેજો, 11 કોમર્સ કોલેજો, 23 આર્ટસ કોલેજો, 175 સરકારી છાત્રાલયો, 910 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો કાર્યરત
• નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના
• ઉચ્ચ શહેરી શિક્ષણ કેન્દ્રોમાં આદિવાસી વિદ્યાર્થીઓની સુવિધા માટે અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, રાજકોટ, વડોદરા, હિંમતનગર, જામનગર, પાટણ અને સુરતમાં 20 અત્યાધુનિક સમરસ છાત્રાલયોની સ્થાપના, સમરસ હોસ્ટેલમાં 30% બેઠકો આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનામત
• આદિવાસી વિસ્તારોના તમામ મહેસૂલી ગામોને ઓલ વેધર રોડ કનેક્ટિવિટી સાથે આવરી લેવામાં આવ્યા
• આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે 243 નવા સબ-સ્ટેશનની સ્થાપના, રાજ્યના તમામ 5,884 આદિવાસી ગામોને 24×7 વીજ પુરવઠા સાથે આવરી લેવામાં આવ્યા
• વલસાડ, દાહોદ, બનાસકાંઠા અને ગોધરામાં મેડિકલ કોલેજો સાથે આદિવાસી વિસ્તારોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ વધુ મજબૂત બનાવવામાં આવી
• 27 CHC, 85 PHC, 17 સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટ (SNCU), 62 ન્યુ બોર્ન ચાઇલ્ડ સ્ટેબિલાઇઝેશન યુનિટ, 1401 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના
• સિકલ સેલ સ્ક્રિનિંગ પર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી, અને સિકલ સેલ રોગનું નિદાન થનારા દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી
• સંકલિત ડેરી વિકાસ પ્રોજેક્ટ (IDDP) હેઠળ, 1.5 લાખથી વધુ આદિવાસી મહિલા લાભાર્થીઓને લાભ
• વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો (VTCs), ઇન્ડિયન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITIs) અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો (KVKs) દ્વારા 18 લાખથી વધુ આદિવાસી યુવાનોને તાલીમ અને પ્લેસમેન્ટ
• લિફ્ટ ઈરીગેશન, ચેકડેમ પર ભાર મૂકીને 11 લાખ એકર વધારાની જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવી
• પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના, આદિમજુથ વગેરે જેવી યોજનાઓ હેઠળ 6 લાખથી વધુ આદિવાસી પરિવારોને આવાસ સહાય
• 5 લાખથી વધુ આદિવાસી પરિવારોને નળ વાટે પાણીની કનેક્ટિવિટી
વનબંધુ કલ્યાણ યોજના-1ની સફળતાના પગલે ગુજરાત સરકારે વર્ષ 2021-22 થી 2025-26 સુધી વનબંધુ કલ્યાણ યોજનાનો બીજો તબક્કો એટલે કે વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી. આ માટે ₹1 લાખ કરોડનું મહત્વાકાંક્ષી બજેટ ફાળવવામાં આવ્યું અને આ સફળ પહેલ આજે 17 વર્ષ પછી પણ આદિજાતિ ક્ષેત્રોના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે.
વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળના મહત્વપૂર્ણ કામોની વિગતો:
• વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ રૂ.250 કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા 35 નવી આદર્શ નિવાસી શાળા અને 30 શાળાઓ, કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે 100 છાત્રાલયો, તેમજ આશ્રમશાળાનું નવીનીકરણ અને આધુનિકીકરણ હાથ ધરવાનું આયોજન
• 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સ દ્વારા ધોરણ 6 થી ધોરણ 12 સુધીના 50,000 આદિવાસી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ
• રમત-ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી આદિવાસી વિદ્યાર્થીઓની પ્રતિભાને નિખારવા માટે એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ શાળાઓને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ સ્કીમ અને ઇન-સ્કૂલ સ્કીમ ઓફ સ્પોર્ટ્સ સાથે સંકલિત કરવાનું આયોજન
• તમામ આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ અને નર્સિંગ કૉલેજના વિઝનને સાકાર કરવા માટે સિકલ સેલ સેન્ટર ઑફ એક્સલન્સ, 4 નવી મેડિકલ કૉલેજ અને 3 નર્સિંગ કૉલેજની સ્થાપના કરવામાં આવશે
• ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આવેલા બાકીના 500થી વધુ ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી મોબાઈલ ટાવરની સ્થાપના દ્વારા મજબૂત કરવાનું આયોજન
• આદિવાસી વિસ્તારોમાં રોજગારી પેદા કરવા માટે 8 નવી MSME-GIDC એસ્ટેટની સ્થાપના
• ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ (GTDC) ની વિવિધ યોજનાઓ જેવીકે, સ્વરોજગાર, વિદેશી અભ્યાસ, વાણિજ્ય પાયલોટ, પોલ્ટ્રી ફાર્મ, મોબાઈલ વાન વગેરે હેઠળ 1.25 લાખથી વધુ આદિવાસીઓને લોન સહાય
• આદિવાસી વિસ્તારોમાં અવિરત વીજ પુરવઠો વધારવા માટે 56 નવા સબસ્ટેશનની સ્થાપના
• ગામડાઓ વચ્ચેના જોડાણ અને ગામથી ફળિયા/વસાહતને વધારવા માટે લગભગ 4000 કિમી લંબાઈના રોડનું મજબૂતીકરણ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓને પણ મેટલ રોડથી જોડવાનું આયોજન
વર્ષ 2022-23માં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા થયેલી નવી પહેલો
• આદિવાસી વિસ્તારોમાં 500થી વધુ આદિવાસી ગામોમાં મોબાઇલ કનેક્ટિવિટી સુવિધાઓ પૂરી પાડવા માટે ₹111 કરોડની ફાળવણી
• ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે, સામાજિક ભાગીદારી સાથે આદિવાસી વિસ્તારોમાં 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓની સ્થાપનાનું આયોજન, જ્યાં 50 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવામાં આવશે. આ નિવાસી શાળાઓ માટે ₹45 કરોડની ફાળવણી
• ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો અને આશ્રમશાળાઓમાં રહેતા અંદાજે 1 લાખ 43 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવતા માસિક નિર્વાહ ભથ્થાને પ્રતિ માસ ₹1500 થી વધારીને ₹2160 કરવા માટે ₹503 કરોડની જોગવાઈ
• પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 13 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ચૂકવવામાં આવતી રકમ ₹600 થી વધારીને ₹900 કરવામાં આવી. આ માટે ₹81 કરોડની ફાળવણી
• આદિવાસી વિસ્તારોના ખેડૂતોને ખેતી માટે પાવર ટિલરનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા સહાયની નવી યોજના હેઠળ ₹38 કરોડની જોગવાઈ
• આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવા ઔદ્યોગિક સાહસિકતાને પ્રોત્સાહન આપવા 8 MSME G.I.D.C એસ્ટેટ બનાવવા માટે ₹40 કરોડની જોગવાઈ
• કેન્દ્ર સરકારની PM મિત્ર યોજના હેઠળ મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવા નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ ટેક્સટાઈલ પાર્ક સ્થાપવાનું આયોજન
• આદિવાસી ગામડાઓમાં ગામડાઓથી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી પુલ અને ડામર રસ્તાઓ બાંધવા માટે ₹105 કરોડની જોગવાઈ
• ₹1200 કરોડના અંદાજિત ખર્ચે વઘઈ-સાપુતારા રોડના 40 કિમીના પટને ફોર લેનમાં ફેરવવાનું આયોજન
• અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સેવાઓ સુલભ બનાવવા મોટરસાયકલ આધારિત 15 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવા ₹2 કરોડની જોગવાઈ.
• હાલમાં, સગર્ભા માતાઓને પૂરક પોષણ પૂરું પાડતી પોષણ સુધા યોજના આદિવાસી વિસ્તારોમાં 10 તાલુકાઓમાં અમલમાં છે. આ યોજના બહુમતી આદિવાસી વસ્તી ધરાવતા 72 તાલુકાને આવરી લેશે અને આ યોજના હેઠળ વ્યક્તિ દીઠ થતા ખર્ચમાં 50 ટકાનો વધારો કરશે. આ યોજના માટે ₹118 કરોડની જોગવાઈ.