દ્વારકા ખાતે Dwarkadhishji મંદિર સંકુલમાં આવેલા ભોગ ભંડાર (રસોઈ ઘર) અતિ જર્જરિત બની ગયો હોવાથી તેના નવનિર્માણ માટે મંજૂરી મળતા તેનું ભૂમિપૂજન શારદાપીઠાધીશ્વરના હસ્તે કરવામાં આવ્યું હતું.
શારદાપીઠાધિશ્વરના હસ્તે થયું ભૂમિપૂજન
દ્વારકાના Dwarkadhishji મંદિર પરિસરમાં આવેલા ભોગ ભંડારમાં ભગવાન દ્વારકાધીશજીને ધરાવાતો ભોગ, ભક્તોને અપાતો પ્રસાદ, ક્રમાનુસાર થતા છપ્પનભોગ, અન્નકૂટ, વિવિધ મનોરથ વગેરેનો તમામ પ્રસાદ બનાવવામાં આવે છે. પરંતુ આ ભાગ ભંડાર અતિ જર્જરિત બની ગયો હોઇ દુર્ઘટનાનું જોખમ તોળાયેલું રહેતું હતું. જર્જરિત ભોગ ભંડારના નવનિર્માણની સતત રજૂઆતો કરાતા ભોગ ભંડારના નવનિર્માણ માટે રાજ્ય સરકાર, વહિવટી તંત્ર તથા દેવસ્થાન સમિતિ સાથે સંકલન બાદ મંજૂરી મળતા કરોડોના ખર્ચે તેનું નવનિર્માણ થશે. રિલાયન્સ દ્વારા ભોગ ભંડારના નિર્માણ માટે ૩ કરોડનું અનુદાન અપાયું છે.
તેના નવનિર્માણ માટે ભૂમિપૂજન દ્વારકા પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે મંદિરના પૂજારીઓ મહેશભાઈ, નેતાજી પૂજારી, દિપકભાઈ તથા ડાયાભાઈની ઉપસ્થિતિમાં કરાયું હતું.