Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૭ મું અંગદાન થયું. આ અંગદાન ગુપ્ત દાનરૂપે આપવામાં આવ્યું છે.સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ ૧૬૭ માં અંગદાનમાં માર્ગ અકસ્માત માં ઇજા પામેલ યુવાનને માથાની ગંભીર ઇજાના કારણે હેમરેજ થયું હતું. જેથી તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. ૨૮-૦૯-૨૦૨૪ના રોજ ડૉક્ટરોએ યુવાનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
Ahmedabad સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તેમના પરીવારજનોને સિવિલ હોસ્પિટલના ડોકટરોએ અંગદાન વિશે સમજાવતા પરીવારના સભ્યોએ બ્રેઇન ડેડ યુવાનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , ગુપ્ત અંગદાન થકી થયેલ આ ૧૬૭ માં અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૪૧ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૨૪ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
૧૬૭ માં અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ ફેફસાને ગ્રીનકોરીડોર મારફતે અમદાવાદની કે ડી હોસ્પિટલ માં દાખલ દર્દી ને પ્રત્યારોપણ કરવામાં આવશે. આમ આ અંગદાન થી કુલ ચાર લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ. આ અંગદાન માં મળેલ બે આંખો નું દાન સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આઇ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ જેના પ્રત્યારોપણ થકી બે લોકોને નવી રોશની આપણે આપી શકીશું.
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૦૦ કિડની, લીવર -૧૪૫, ૫૧ હ્રદય ,૨૮ ફેફસા , ૯ સ્વાદુપિંડ , બે નાના આંતરડા , પાંચ સ્કીન અને ૧૧૪ આંખોનું દાન મળ્યું છે