Babar Azam: બાબર આઝમે પાકિસ્તાનના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. હવે તેનું સ્થાન કોણ લેશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ODI અને T20I માટે અલગ અલગ કેપ્ટન પસંદ કરવા જઈ રહ્યું છે. જેમાં એક યુવા ખેલાડીનું નામ પણ સામેલ છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. પાકિસ્તાનમાં પસંદગીકારોથી લઈને કેપ્ટન સુધી બદલાવ કરવામાં આવ્યા છે. હવે પાકિસ્તાનને ફરી એકવાર નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે. વાસ્તવમાં બાબર આઝમે પાકિસ્તાનની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું છે. તે ODI અને T20Iની કમાન સંભાળી રહ્યો હતો. આ બીજી વખત છે જ્યારે બાબર આઝમે પાકિસ્તાનની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપ્યું છે. તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તેને ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં બાબરનું સ્થાન કોણ લેશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
બાબરના સ્થાને કોણ બનશે પાકિસ્તાન ટીમનો કેપ્ટન?
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PCB ODI અને T20 માટે અલગ-અલગ કેપ્ટનના નામની જાહેરાત કરવા જઈ રહ્યું છે. ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ODI ટીમની કમાન મળી શકે છે. સાથે જ યુવા ખેલાડી મોહમ્મદ હરિસને ટી20 ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. મોહમ્મદ હરિસ યુવા ખેલાડી છે, તેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેને કેપ્ટન બનાવીને મોટો જુગાર રમવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ તેને પાકિસ્તાનની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ODI કપમાં પણ કેપ્ટનશિપ આપવામાં આવી હતી.
પાકિસ્તાન માટે માત્ર 15 મેચ રમી છે
મોહમ્મદ હરિસ અત્યાર સુધી પાકિસ્તાન તરફથી ODI અને T20 ફોર્મેટમાં રમી ચૂક્યો છે. તેણે પાકિસ્તાન માટે 6 ODI અને 9 T20 મેચ રમી છે. વનડેમાં તેણે 7.50ની નબળી સરેરાશથી માત્ર 30 રન જ બનાવ્યા છે. જ્યારે ટી20ની વાત કરીએ તો તેણે 14.00ની એવરેજથી માત્ર 126 રન જ બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી એક પણ અડધી સદી કે સદી જોવા મળી નથી. જોકે, વર્ષ 2023માં મોહમ્મદ હરિસની કેપ્ટન્સીમાં પાકિસ્તાને ઇમર્જિંગ એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાનની ટીમે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું.
બીજી તરફ, મોહમ્મદ રિઝવાને પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં 32 ટેસ્ટ, 74 વનડે અને 102 ટી-20 મેચ રમી છે. તે એવા ખેલાડીઓમાં સામેલ છે જે હાલમાં પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટ રમે છે. મોહમ્મદ રિઝવાનને પણ કેપ્ટનશિપનો અનુભવ છે. તે પાકિસ્તાન સુપર લીગના કેપ્ટન પણ છે અને પોતાની ટીમને એકવાર ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી તેને ODI ટીમનો કેપ્ટન બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ વખતે મોહમ્મદ રિઝવાનને ટીમની કમાન મળી શકે છે.