કથિત રીતે આત્મહત્યા કરનાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ Ahmedabad (IIM)ના વિદ્યાર્થીના પિતાએ દાવો કર્યો હતો કે સંસ્થામાંથી કોઈ વ્યક્તિ ખાનગી સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમને લઈને તેમના પુત્રને હેરાન કરી રહી હતી. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. IIMમાં બીજા વર્ષના MBA કોર્સના વિદ્યાર્થી અક્ષિત હેમંત ભુક્યા (24)નો મૃતદેહ ગુરુવારે હોસ્ટેલના રૂમમાં વેન્ટિલેટરની મેટલ ગ્રીલ સાથે લટકતો મળી આવ્યો હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ફર્સ્ટ ઝોન) હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, ‘ભુક્યાના પિતાએ દાવો કર્યો હતો કે IIM-Aમાંથી કોઈ વ્યક્તિ તેમના પુત્રને એક ખાનગી સંસ્થાના ઈવેન્ટ માટે ‘IIM લોગો’નો ઉપયોગ કરવા પર હેરાન કરી રહી હતી.
તેમણે કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગતું નથી કે વિદ્યાર્થીએ આ કારણસર આ પગલું ભર્યું હશે પરંતુ જો કેસની તપાસમાં કંઈપણ સામે આવશે તો પોલીસ કેસ નોંધશે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘IIM લોગો’ના ઉપયોગને લગતો મામલો 20 સપ્ટેમ્બરે ઉકેલાઈ ગયો હતો.
ખાનગી સંસ્થાએ સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી હતી અને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી ‘IIM લોગો’ સાથેનો વીડિયો પણ હટાવી દીધો હતો. તપાસ અધિકારી સબ ઈન્સ્પેક્ટર આર.એલ. પટેલે જણાવ્યું હતું કે, ‘અમે આ કાર્યક્રમમાં સામેલ ટીમમાં સામેલ વિદ્યાર્થીઓના નિવેદન પણ લીધા છે અને તેઓએ આ વાતનો ઈન્કાર કર્યો છે.’
પોલીસ અધિકારીએ જણાવ્યું કે IIMના વિદ્યાર્થીનો મૃતદેહ તેના પિતાને સોંપવામાં આવ્યો છે. IIMના નવા કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં બનેલી ઘટના સાથે સંબંધિત કોઈ સુસાઈડ નોટ મળી નથી. અધિકારીઓએ જણાવ્યું કે ઘટના પાછળનું કારણ જાણવા માટે પોલીસે વિદ્યાર્થીના મોબાઈલ ફોન અને લેપટોપને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે.